જિંદગી જીવી શકાય તો?


.

.

મૃગજળ વિષેની વાયકા બદલી શકાય તો?
ભીનાશ તારા આંખની જો પી શકાય તો?
.
પંખીની આંખ વીંધવાની વાત ઠીક છે,
રસ્તો કરીને શહેરમાં નીકળી શકાય તો?
.
આખા દિવસનો થાક લઇ આવ્યા પછી ઘરે,
સૂરજની જેમ સાંજના ડૂબી શકાય તો?
.
પગલાંઓ ભીની રેતનાં ભૂંસાઈ પણ ગયાં,
કાંઠાની ભીની વાતને ભૂંસી શકાય તો?
.
દરિયાની આરપાર તો પહોંચી શકું છું પણ,
દીવાલ વચ્ચે સાંજના બેસી શકાય તો?
.
મૃત્યુ વિષે તો ઠીક છે જોશું પછી, પછી,
જે કંઈ મળી છે જિંદગી જીવી શકાય તો?
.
.
– કૈલાસ પંડિત

One thought on “જિંદગી જીવી શકાય તો?

  1. મૃત્યુ વિષે તો ઠીક છે જોશું પછી, પછી,
    જે કંઈ મળી છે જિંદગી જીવી શકાય તો?

    just speechless

Leave a comment