પ્રેમની તુલના

.

.

પ્રેમની તુલના
તમે કોની સાથે કરશો?
એવા સ્ટેશન સાથે
કે જ્યાં ક્યારેય ટ્રેન આવતી નથી
અને ધૂંધળો, ધીમો, મંદ બળતો રહે છે
એક બલ્બ.
.
.
રાતદિવસ ઉઘાડા
ઘરના મુખ્ય દરવાજામાંથી
અતિથી અને ઈશ્વર આવી શકે છે
તોપણ બાગના
લીમડાના ઝાડ નીચે
કેમ ગુપચુપ બેસી રહે છે પ્રેમ!
.
.
પ્રેમની તુલના
તમે કોઈ સાથે કરશો!
એ પગલાંની નિશાની સાથે
કે જે કોઈકની વિદાય પછી પણ
અનેક વર્ષો
તરફડતી રહે છે!
.
.
પ્રેમની તુલના
તમે કોની સાથે કરશો!
એ હાથ સાથે
જે હથોડા ઝીંકીને
જમીન ફોડી પાક ઉગાડે છે,
જે મહેલો, અટ્ટાલિકા
વિધાનસભાગૃહ, કારખાનાં
બધું રચી શકે છે
છતાં જેને પહેરવી પડે છે
બેડીઓ!
.
.
પ્રેમની તુલના
તમે કોની સાથે કરશો!
તમારા દેહની ચામડી લગોલગ
રહેનારો એવો ને એવો ટકી રહેનારો રંગ
જે આજ સુધી
બદલાયો નથી!
.
.
પ્રેમની તુલના
તમે કોની સાથે કરશો!
રોજની દિનચર્યા સાથે
મીઠા સાથે!
પાણી સાથે!
ન્યાય સાથે!
જેની જરૂર
દિવસમાં વારંવાર
પડતી હોય છે!
.
.
– સુચેતા મિશ્ર
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements

ચાંદની રાત

.
.
તમામ મેદાન મળીને બને છે
એક સફેદ ચાદર પથારીની
જેની કોઈ કરતાં કોઈ સીમા નથી.
બરાબર છે મારા દેહ જેવી.
આકાશ પણ લગભગ તારા જેવું છે.
ક્યારેક ક્યારેક લાગે છે હું આકાશ છું.
પ્રસરેલું પણ ખાલી
અને જોઉં છું જેવી પૃથ્વી છે.
તે પણ બરાબર એની જેમ ફેલાવી રાખ્યા છે હાથ
જ્યાં પણ ઊતરું છું ત્યાં હોય છે તારું આલિંગન.
.
.
થાય છે ભ્રમ ક્યાંક દૂર જમીન આકાશના મિલનનો.
અગર, જો તું ઉડી આવે તારો પ્રવાસ પડતો મુકીને
ઓ મારા વિહંગ,
હું અહીંથી હટી નહીં શકું
કે ક્યાંક ચાંદ ડૂબી ન જાય
કે ક્યાંક મારા પાછા વળવાના સમયે
રસ્તો ન દેખાય સૂરજના પ્રકાશમાં.
.
.
– રમાકાન્ત રથ
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: સુજાતા ગાંધી)

તને હું

.
.
કેટલા દિવસ કેટલી રાતથી
તને શોધું છું હું ફરી ફરી –
ગ્રહ અને તારા સ્પર્શી સ્પર્શી
આકાશનું ભૂરું સરોવર લાંધી
દરિયાની નીલી સીમામાં
નક્ષત્ર આંખોથી ઓઝલ થતા
તને જોઈ છે ફરી –
આ શરીરની સીમામાં.
.
.
થાક નથી મને –
હેમંતનું વાવાઝોડું જયારે
અચાનક રસ્તો મારો રોકે;
પગ તળે દાબી દાબી
ઝાકળના ઝીણા ઝીણા કણ
રાતોની રાતો બસ ચાલ્યા કરું.
.
.
વાત મારી થશે નહીં પૂરી કદી
કોઈ એક નારી મને
બોલાવે છે, સાંજ પડતાં
અને પૃથ્વી જીવતી રહે
માટીની સાડી
ઘાસની કિનારી
શરીરે વીંટાળી,
તે પૃથ્વી છોડી ગયો –
રાખી ગયો છું તારા માટે.
.
.
– ભાનુજી રાઉ
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: રેણુકા શ્રીરામ સોની)