સોનેટ

b7681798e3af00b5024646da6e9484ff_large

 મારા વિચારોના ઊંડાણનો હું ઈશ્વર છું
અને મારી સત્તા વિસ્તરે છે મારી હયાતીના કેન્દ્રથી
મારા પોતા પર અને મારા આત્મા પર, તમામ હુકમો એના
મારી મથામણ, મારી વૃત્તિઓ અને મારા વિજયથી ધસમસતા.

જયારે કાળી, જંગલી આસુરી વૃત્તિઓનું દળ
મારા તરફ ઘૂરકે અને ઢળી પડે, મારો હાથ
ઊંચો કરું એટલી જ વાર અને હું ઈશ્વર
મારા વિચારોના ઊંડાણમાં.

અને છતાં પણ અનંતકાળથી હું ઝૂરું છું.
તારા શરીરને મારી બથમાં લેવા માટે
અને આક્રંદુ છું મારી તમામ વાસના સાથે.

તારા હોઠ પરનાં ચુંબનોના આદિમ આવેગ કને
જખ મારે ગુમાન, ખ્યાતિ: હવે જડતા મને.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: સુરેશ દલાલ)

એકલવાયી રાત

b7681798e3af00b5024646da6e9484ff_large

તારી આંખ ત્યાં ન’તી
તારો અવાજ હતો દૂર, ખૂબ દૂર,
ગીત વિનાની એ સાંજ હતી
રાત હતી સિતારા વિનાની.

મૌન હતું ખૂન ઊંડું અને અવિચલ
ઉપર, નીચે અને આસપાસ
પ્રત્યેક લહેરખી
નાનકડું મરણ લઈને આવતી હતી.

તારે માટે મારો જીવ ફૂલ જેવો હતો,
ખુલ્લંખુલ્લો,
જો મરણનો હાથ તેના પર પડે
તો તે હતો બસ રાખ. –

એ નીરવ ક્ષણમાં
નિર્દયતાથી મને એટલું સમજાયું
આ સુંદર જિંદગીમાંથી
વેદના સાથે પસાર થવું એટલે શું?

– પી. સી. બાઉટેન્સ
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: સુરેશ દલાલ)

દિવસની તેજસ્વિતા તેના ચહેરામાં

b7681798e3af00b5024646da6e9484ff_large

દિવસની તેજસ્વિતા તેના ચહેરામાં,
રાતની સુંદરતા તેની આંખોમાં.
તેના સમગ્ર લાવણ્યમાં, નિસર્ગદત્ત આકર્ષકતા
પરોઢિયે આકાશમાં પ્રસ્ફુટિત લજ્જાની લાલિમામાં.

તેના અવાજમાં કબૂતરનો બોલ;
અંશ જાણે મધુર મંજુલ સંગીતનો.
તેના સ્મિતમાં પ્રેમના પ્રકાશનું ફૂટવું;
તેના હૃદયમાં બધા કુલીન ગુણો.

અને હવે તેજસ્વી દિવસ, સુંદર રાત,
પક્ષીઓ જે પ્રભાતે સાથીઓને સાદ કરે,
મારા નીરસ કાનમાં, મારી અશ્રુભીની નજરમાં
બધા મૃતકો સાથે એક છે, જ્યારથી તે ગઈ.

– જેમ્સ વેલ્ડન જોન્સન
(દેશ : અમેરિકા)
(અનુવાદ: જ્યોત્સના તન્ના)