કેમ કરી ગીતા સંભળાવું?

.

.

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહી
રાધાનું નામ યાદ આવ્યું;
રુકમણીની સોળ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
.
દ્વારકાના દરિયાનો ખારો ઘુઘવાટ
.
દૂર યમુનાના નીરને વલોવે,
સ્મરણોનું ગોરસ છલકાય, અને માધવની
આજને અતીતમાં પરોવે;
કેદ આ અજાણી દીવાલોમાં, જાણીતી
કુંજગલી, કેમ કરી જાવું?
.
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે,
મહેલની સૌ ભોગલને પાર કરી, માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
.
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું?
.
.
– હરીન્દ્ર દવે

શ્રીનાથજી શયન દર્શન

શયન દર્શન : આ દર્શન કરવાથી શાંતિ મળે છે.

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ…

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ…

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ…

સ્વર: હરિહરન
સ્વરાંકન : આસિત દેસાઈ
શબ્દો : સુરેશ દલાલ

શ્રીનાથજી આરતી દર્શન

આરતી દર્શન : આ દર્શન કરવાથી નિ:સ્વાર્થી થવાય છે.

 

અમને આપો સંગરંગ

ને અપને આપો સાથજી

જય જય જય શ્રીનાથજી

જય જય જય શ્રીનાથજી…

 

જીવન આખું હોય અમારું

આરતીનું અજવાળુંજી

સ્થળે સ્થળે ને પળે પળે

તમને હું તો ભાળુંજી

સથવારાનો ઉમંગ ઉછળે

જીવન તમારે હાથજી

અમને આપો…

 

હોઠ ઉપર છે નામ તમારું

રાસલીલા તો હૈયે જી

અમે કોઈના નથી કદીયે

અમે તમારા છઈએજી

સ્મરણ તમારું હોય સદાયે

મરણ તમારે હાથજી

અમને આપો…

 

સ્વર : આસિત દેસાઈ
સ્વરાંકન : આસિત દેસાઈ
શબ્દો : સુરેશ દલાલ