તમે શું કરશો?

છૂટાં પડશું તો વિચારીશ, તમે શું કરશો.
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?

વાંક બંનેનો છે, એ વાત બરાબર છે તો,
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,
આયના નીચે ઉતારીશ, તમે શું કરશો?

આંખ ખુલશે તો ‘ખલીલ’ આંખને ચોળી ચોળી,
રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો?

– ખલીલ ધનતેજવી

એ રીતે રોવાનું છે

.
.
તમે જન્મો, પછી તરત જ, તમારે ટેવાવાનું છે,
કશું છે જ ક્યાં તમારું? કે તમારે જે ખોવાનું છે.
.
.
તમારી દોટ વર્ષોથી કશું બનવાની પાછળ છે,
ખરેખર તો ઘણું મોંઘુ પોતાનું ‘હોવાનું’ છે.
.
.
દરદને માણવું જો હોય તો એની એક શરત છે,
ખબર પણ આંખને નાં થાય, એ રીતે રોવાનું છે.
.
.
અવતરણ ચિન્હની વચ્ચે તમારી આ હયાતી છે,
તમે મૌલિક નથી, કાયમ, પરાયાથી, તોલવાનું છે.
.
.
ઘરેથી નીકળીને ચાલવા માંડો છો, ત્યારે તો,
ખબર સુધ્ધાં નથી કે, સ્મશાને રોકાવાનું છે.
.
.
– ધૂની માંડલિયા

તું

.
.
સાદ પાડીને મને બોલવ તું,
કાં પછી હિંમત કરીને આવ તું.
.
.
પ્રેમપત્રો આંખ શું વાંચી શકે,
આંસુઓ પાસે જ જઈ વાંચવ તું.
.
.
આપણાં સંબંધની મળશે કડી,
સાંજ વેળાની ક્ષણો લંબાવ તું.
.
.
જ્યાં હવાને પણ મુંઝારો થાય છે,
એ જ ઘર મારું હશે, બતલાવ તું.
.
.
બ્રહ્મવાણી થઇ જગતમાં ફોરશે.
એક સાચો શબ્દ ભીતર વાવ તું.
.
.
આયનાના હોઠ પર છારી વળે,
એ પહેલા, કાળને થંભાવ તું.
.
.
શ્વાસની આખર ઘડી દેખાય છે,
કો’ તાજી હો ગઝલ, સંભળાવ તું.
.
.
– ધૂની માંડલિયા