વેશ્યાએ દીકરીને કહ્યું

.
.
વ્હાલી દીકરી, કોઈ પણ પ્રકારની શરમ વિના કહેજે
કે હું તારી માં છું.
આ નગર તારું પિતા.
જા, જઈને કહેજે પવિત્ર પત્નીઓને
કે હું તેમના પતિઓને
પ્રેમ કેમ કરાય તે શીખવું છું.
.
.
હજારો સ્ત્રીઓનું સ્થાન લઈને
હું મારું સમર્પણ કરું છું
અને સંત થાઉં છું
.
.
મારી દીકરી, પુરુષોની ઈચ્છાઓ તો અનંત છે,
તારે એ સમુદ્ર ઓળંગવો જ રહ્યો
અને મારી જેમ શરીરને અતિક્રમી જા.
.
.
તારા મસ્તકને ઉન્નત કર
હું જે નથી કરી શકી તે કર
અને તારો વિકાસ કર મહાન થવા માટે.
તારે આવતી કાલની અભિસારિકા થવાનું છે.
જે સૂર્ય હું જોઈ નથી શકી
એ તારે જોવાનો છે.
.
.
ઈશુ પાસે હું રડતી હોઉં એવું હું ઈચ્છતી નથી
કે નથી જોઈતો મને ઉપ્ગુપ્ત મારી પાસે રડતો,
પ્રત્યેક રાતે હું લાલચોળ થાઉં છું
અને પ્રત્યેક સવારે હું સોનું.
.
.
હું વાસનાને જીતું છું
તારે કામના અને લોભને પાર કરવા પડશે.
આપણે તો સમુદ્ર પૃથ્વી છીએ
અને આપણે તો અર્પણ કરનારી પ્રકૃતીદત્તા.
.
.
– કે. સચ્ચિદાનંદ
(ભાષા: મલયાલમ)
(અનુવાદ: સુરેશ દલાલ)

પ્રેમ

.
.
જયારે મેં તને પ્રેમ કર્યો ત્યારે
પ્રેમ કરતો રહ્યો ત્યારે
તારામાં તને
ધ્યાન કરતો રહ્યો ત્યારે
રેણુકાની માટીના તૂટેલા વાસણમાં
જળની રેખાની વચ્ચે
ગંધર્વના વાળના ગુચ્છા ફસાયા.
.
.
જયારે તે મને પ્રેમ કર્યો ત્યારે
પ્રેમ કરતી રહી ત્યારે
મારામાં મને જ
ધ્યાનથી શોધતી રહી ત્યારે
સૂર્યોદયથી સાડા સાત ઘડી પહેલા
કૂકડાની બાંગથી
મારા શરીરમાં
હજારો દીવાઓ પ્રકટ્યા.
.
.
જયારે આપણે એકમેકને પ્રેમ કરીએ ત્યારે
પ્રેમ કરતા રહીએ ત્યારે
આપણામાં આપણું જ ધ્યાન કરતા રહીએ ત્યારે
તૂટેલા ટુકડા અને હજારો લિંગ
કેટલી સારી રીતે આજે આપણે મળ્યાં.
.
.
– અયપ્પ પણીક્કર
(ભાષા: મલયાલમ)
(અનુવાદ: સુશી દલાલ)

શુક્ર્તારો

.
.
કાલ સુધી જે બાળક હતો
એને ઊગવા લાગી છે મૂછો
એ જોવા લાગ્યો છે અરીસામાં
વારંવાર.
લસણના મૂળિયાં જેવા
દાઢીના વાળ
નીકળી આવ્યા છે ચિબુક પર.
એને લાગે છે
કે આવી ગયો છે સમય
એ શોધવા લાગ્યો છે
હાથ માટે કોઈ કામ,
પગ જમાવવાની જગા.
એ જુએ છે અંતરિક્ષ તરફ
તારાઓની ચમકનો
પ્રકાશ છે એની આંખોમાં.
નવી દાઢીમુછની વચ્ચે
નવો ઊગ્યો શુક્ર્તારો.
અભિનંદન.
.
.
– જીવકાન્ત
(ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુશી દલાલ)