પાનખર

.
.
પાનખરનો પ્રત્યેક ઊગતો ચંદ્ર
બળતી આંગળીઓ કલમ જેવી
ધુમ્મસથી છવાયેલી કાચની બારી પરના
હું તારા નામને જતનથી જાળવું છું
અને મરોડદાર રેખામાંથી જોઉં છું
વિસ્મિત નજરે
કે ક્યારે નવી વસંત આવશે
અને ઝળહળશે.
.
.
– પરવીન પેઝવાક
(ભાષા: અફઘાની)
(અનુવાદ: સુરેશ દલાલ)

જો હું ઊછળીને

.
.
જો હું ઊછળીને
આ ફૂલભરી ડાળને
નહીં સ્પર્શી શકું
તો એ પોતે શા માટે ઝૂલતી ઝૂલતી
મારી કને નથી આવતી?
છેવટે એને પામવા માટે
જેટલો પ્રયત્ન મારે માટે જરૂરી છે
મારી કને આવવા માટે
એટલો તો એનો હોવો જોઈએ.
કૈંક હું ઊછળું
કૈંક એ ઝૂકે.
.
.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુરેશ દલાલ)

ચૂપચાપ

.
.
ચૂપચાપ ચૂપચાપ
ઝરણાનો સ્વર
અમારામાં ભરાઈ જાય.
ચૂપચાપ ચૂપચાપ
શરદની ચાંદની
સરોવરની લહેરો પર તરે,
.
.
ચૂપચાપ ચૂપચાપ
જીવનનું રહસ્ય
જે કહ્યું ન જાય
અમારી સ્થિર આંખોમાં ગહનાય,
.
.
ચૂપચાપ ચૂપચાપ
આપણે પુલકિત વિરાટમાં ડૂબીએ
અને વિરાટ આપણને આપણામાં મળી જાય
ચૂપચાપ ચૂપચાપ…
.
.
– અજ્ઞેય
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)