અનુપસ્થિતિ

Close up of womans hands writing on paper.

 

તારા શબ્દો મારા હૃદયમાં પડ્યા, જાણે તળાવમાં કાંકરી
મારી છાતીની આજુબાજુ લહેરો, તેને ઠંડુ પીગળેલું મૂકી જાય.

તારાં ચુંબનો મારા શરીર પર તીક્ષ્ણ રીતે પડ્યાં, જાણે
ફળથી લદાયેલાં લીંબુનાં વૃક્ષની ડાળ પરથી પ્રભાતનું ઝાકળ,
જયારે દિવસ હજી નવીન અને ધૂંધળો.

મૃદુ વરસાદે ભીંજવેલા સૂરજના પ્રકાશની જેમ, દુર્લભ
સોનેરી લેસ જેવો નાજુક
તારો શ્વાસ, મધુર સુગંધી અને ઉષ્ણ, જે મારા શાંત
ચહેરાને ઉત્તેજિત કરે.

પણ હવે ખૂબ ઊંડા અને વિસ્તારવાળું મૌન, આ બધાં
ગઠબંધન કરતાં પણ આહ, વધારે ઊંડું
હવે ડરામણા માઈલોની આરપાર આપણા વચ્ચે ઉદાસીન પડ્યું છે.

અને હું જે ગીત ગાઉં તેના કરતાં પણ વધુ હું તારા
લખેલા શબ્દોની રાહ જોઉં છું,
જેથી મારું વહેતું રક્ત ગતિમાન થાય જેવું તારી
ઉપસ્થિતિમાં પણ ન હતું.

 

– ક્લોડ મક્કે
(દેશ: અમેરિકા)
(અનુવાદ: જ્યોત્સના તન્ના)