તને કહ્યું નથી

.
.
આકાશમાં ગડગડતાં વાદળોના
જાણે કે ફટાકડા ફૂટતા હોય એવા અવાજ વચ્ચે
કાલે
તારો જન્મદિવસ ગયો.
ઓરડામાં પાણીની વાછટ આવવા છતાંય
બારીઓ બંધ ન કરી –
બત્તી બંધ કર્યા પછીના અંધારામાં
વારંવાર ઝબૂકતી વીજળીના અજવાળામાં
મને દેખાતો હતો તારો ચહેરો.
.
.
અને વચ્ચે વચ્ચે
હવા વહીને હલાવતી હતી
તને પ્રેમથી આપેલાં
ટેબલ પર રાખેલાં
ફૂલોના ઝૂમખાને.
.
.
કાલે મને કેમ ઊંઘ ન આવી
એ તને કહ્યું નથી –
.
.
મેં ફેંકી દીધેલા મારા લખેલા કાગળો સાથે
શેતાન બિલાડી
કાલે આખી રાત રમતી હતી.
.
.
તને કહ્યું નથી
દુષ્ટ ઘડિયાળ
એક વાર મને પણ વગાડીને જોશે તેથી
ટક ટક શબ્દથી મને દમ મારે છે.
તને કહ્યું નથી –
માટીમાં ભળી ગયા પછી
આપણે બંને કોઈ કોઈનેય ઓળખીશું નહીં.
.
.
અને જો,
તને કહ્યું જ નથી
કે આ વખતના
રથયાત્રાના મેળામાં
શું શું ખરીદીશ –
.
.
ગુનગુન માટે તાડના પાનની પીપૂડી
તારા માટે ફળ-ફૂલના છોડ
અને ઘરને માટે
સુંદર પિત્તળના પાંજરામાં
બે નાનકડાં પંખી
.
.
– સુભાષ મુખોપાધ્યાય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

Advertisements