ચીથરું સુખ લખું છું

.
.
હું
શહેર લખું છું / ગામ લખું છું
કોઈ અનામી સંબંધની શાહીથી
તારી તસવીર લખું છું
જયારે ક્યારેક આવે છે મુશ્કેલી
તારા નિસાસાનો ચિત્કાર લખું છું.
જે કંઈ લખું છું
તે કાબરચીતરું કરતો જાઉં છું.
હું
ખલનાયકનો પદધ્વનિ લખું છું.
અમૂર્ત સંસ્કારનો પરિચ્છેદ લખું છું.
.
.
તારી આંખની બેહાલી લખું છું.
જયારે ક્યારેક તૂટે છે અસ્મિતા
તારા ન હોવાનો ખ્યાલ લખું છું.
જે કંઈ લખું છું
તે નગ્ન કરતો જાઉં છું.
હું
કણસતા પશુની પીડા લખું છું
નરસંહાર અને આત્મસંહાર લખું છું
તારી સ્મૃતિનું મરણ લખું છું.
જયારે ક્યારેક પર્શ્નચિહ્ન હોય છે
ત્યારે પૂર્ણવિરામ લખું છું.
જે કંઈ લખું છું
સાદા કાગળ પર લખું છું
હવે હું
નથી લખતો,
કારણ કે જે કંઈ લખું છું
ચીથરું સુખ લખું છું.
.
.
– નીરજકુમાર
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements