આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે

.
.
જયારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે એવું નથી કે આકાશ વધારે દયાળુ થઇ જાય છે
અથવા તો રસ્તાઓ પર વધારે ખુશી ચાલવા લાગે છે.
બસ એ જ કે ક્યાંક કોઈક છોકરીને
પોતાની અગાસીએથી ઊગતો સૂરજ
અને પાડોશીની વાછરડી જોવાનું સારું લાગવા માંડે છે.
ક્યાંક કોઈક ભીડમાં ગણગણતા હોઠમાં પ્રાર્થના લઈને
માણસોથી વ્યાપ્ત એક સડકને કુશળતાથી પાર કરી જાય છે.
ક્યાંક કોઈક શાંત મૌન જળને
કાંકરાથી નહીં, પોતાના સંગીતથી જગાડતું બેસી રહે છે.
જયારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે દુનિયાને નાના નાના અંશોમાં સિદ્ધ કરીએ છીએ
અને સુંદર પણ, અને સમૃદ્ધ પણ…
આપણે વસંતને આસાનીથી કાપી નાખીએ છીએ
અને એને એક એવા સંયોગમાં દાટી દઈએ છીએ
કે જે ન ઋતુગાન હોય છે,
ન ડાંખળીઓ અને ન કોઈ સ્પષ્ટ આકાર.
ન કાવ્ય, અને ન ફૂલપક્ષીઓની કોઈ હારમાળા –
આપણે એને દુનિયાના હાથમાં ફેંકી દઈએ છીએ.
અને દુનિયા એને જુએ – પારખે ત્યાં સુધીમાં
આપણે ચાલવા માંડીએ છીએ
છુપાઈ જઈએ છીએ
ઋતુમાં, કે કાવ્યમાં કે ડાંખળીઓના આકાશમાં.
.
.
– અશોક વાજપેયી
(ભાષા: હિન્દી)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements