કહો કાલિદાસ!

.
.
ઉજ્જયિનીના દિશાહીન વાદળ
ભટકતા ભટકતા થાકી ગયા છે મલ્લિકા.
તે ભૂલી ગયા છે પોતાની ગતિ
મહાનગરના ચાર રસ્તા પર
સૂઝતું નથી કંઈ એને.
.
.
દિશાઓ બધી એક જેવી છે
અને રસ્તાઓ ક્યાંય નથી જતા.
.
.
રાજપ્રાસાદની રોશનીમાં કોઈ ઉત્સવ છે
રસ્તાના એકાકીપણામાં
ઊંઘતા બુઢાની આંખોમાં
ભવિષ્યની જ્યોત થરથરી રહી છે.
.
.
યક્ષના રુદનથી ભરાઈ ગયું છે આકાશ
એને કોઈ સાંભળતું નથી.
.
.
કોઈ દુષ્યન્ત નથી જતો હવે
કોઈ શકુન્તલાની પાસે.
.
.
ચાલી ગઈ છે પુસ્તકોમાં
શૌર્ય અને પ્રેમની કથાઓ
પ્રતિનાયકોની ચલાકીઓની વચ્ચે
પરાજિત નાયક પાછો ફર્યો છે અરણ્ય તરફ.
.
.
મલ્લિકા!
જડબેસલાક સીલ કરેલા આ સમયમાં
શું કરે તે તમારો કાલિદાસ!
.
.
– અરુણ દેવ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements