અંધારા એકલા ઘરમાં

.
.
અંધારા એકલા ઘરમાં
એકલી અંધારી રાત.
તારાથી સંતાઈ
આજ કોણ જાણે કેટલા દિવસો પછી
તારી સાથે મારી મુલાકાત
અને આ એકલા સૂનકારમાં
જાગે છે રહી રહીને
એક પીડા અકસ્માત
કે આટલા આ સઘન એકાન્તમાં
તને કહેવાને
મારી પાસે નથી કોઈ વાત.
.
.
આટલો મૂગો પહેલા હું કદી કેમ થયો નહોતો?
કેમ પ્રેમની બેહોશ ક્ષણોમાં
મને આ તીવ્ર જ્ઞાને સ્પર્શ્યો નહીં.
કે ખોઈ નાખવું તે આપવું નથી
ભૂલી જવું અને, ઉત્સર્ગ છે બીજી વાત :
કે જ્યાં સુધી વાણી હારી નથી
અને એ હાર મેં પોતે પૂરી સ્વીકારી નથી,
પોતાની ભાવના, સંવેદના પણ અર્પી નથી,
ત્યાં સુધી તે પ્રેમ પણ
નર્યો સંસ્કાર છે, સંસ્કારી નથી.
અરે, કેટલી ઝીણી આડમાં
ઝમતા રહ્યાં આલોકનાં ઝરણાં અદાવત –
અને મને ઘેરી રહી
અંધારા એકલા ઘરમાં
અંધારી એકલી રાત.
.
.
– અજ્ઞેય
(ભાષા: હિન્દી)
(અનુવાદ: ભોળાભાઈ પટેલ)

Advertisements