ઉંમરલાયક

.
.
આંકડાઓ ભૂંસીને
શિક્ષક તો ચાલતા થયા.
તોપણ બ્લેકબોર્ડ પર રહી ગયા હતા.
સરવાળા, બાદબાકી અને મીંડું.
જોસેફ સરવાળો લઈને નીકળી પડ્યો
અને અમીના બાદબાકી લઈને.
ઘરે જતો હતો ત્યારે
મારા ગજવામાં તો હતું મીંડું.
કાગડાઓના જંગલી અવાજો
રસ્તાને પાર કરતું વૃક્ષ
ખરી પડ્યો તારો અને ખૂણામાં વિખરાઈ ગયો.
.
.
ચિક્કાર વરસાદ પડ્યો
મીંડું એમ ને એમ પીગળી ગયું.
ઘરે પહોંચ્યો
ત્યારે મેં અરીસામાં તાકી તાકીને જોયું
તો મને મૂછ ફૂટતી હતી.
.
.
– કે. સચ્ચિદાનંદ
(ભાષા: મલયાલમ)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

Advertisements