વેશ્યાએ દીકરીને કહ્યું

.
.
વ્હાલી દીકરી, કોઈ પણ પ્રકારની શરમ વિના કહેજે
કે હું તારી માં છું.
આ નગર તારું પિતા.
જા, જઈને કહેજે પવિત્ર પત્નીઓને
કે હું તેમના પતિઓને
પ્રેમ કેમ કરાય તે શીખવું છું.
.
.
હજારો સ્ત્રીઓનું સ્થાન લઈને
હું મારું સમર્પણ કરું છું
અને સંત થાઉં છું
.
.
મારી દીકરી, પુરુષોની ઈચ્છાઓ તો અનંત છે,
તારે એ સમુદ્ર ઓળંગવો જ રહ્યો
અને મારી જેમ શરીરને અતિક્રમી જા.
.
.
તારા મસ્તકને ઉન્નત કર
હું જે નથી કરી શકી તે કર
અને તારો વિકાસ કર મહાન થવા માટે.
તારે આવતી કાલની અભિસારિકા થવાનું છે.
જે સૂર્ય હું જોઈ નથી શકી
એ તારે જોવાનો છે.
.
.
ઈશુ પાસે હું રડતી હોઉં એવું હું ઈચ્છતી નથી
કે નથી જોઈતો મને ઉપ્ગુપ્ત મારી પાસે રડતો,
પ્રત્યેક રાતે હું લાલચોળ થાઉં છું
અને પ્રત્યેક સવારે હું સોનું.
.
.
હું વાસનાને જીતું છું
તારે કામના અને લોભને પાર કરવા પડશે.
આપણે તો સમુદ્ર પૃથ્વી છીએ
અને આપણે તો અર્પણ કરનારી પ્રકૃતીદત્તા.
.
.
– કે. સચ્ચિદાનંદ
(ભાષા: મલયાલમ)
(અનુવાદ: સુરેશ દલાલ)