દાદરા

.
.
અંગ ગટકાવી જતી આંખો મસ્તીને શરણે જાય છે,
શિયાળામાં દાડમની ડાળ પરનું અનોખું પંખી
ઊડતાં ઊડતાં ખીલે છે, ગેયશાના ગાલ પાસેના પંખા જેવું,
એવે વખતે દાદરમાં મસળીને તને પીનારા મારા હોઠ છ માત્રાના હોય છે.
કવખત થયા વિના ક્ષણ આવતી નથી; પછી વાસના
ગન્ધગૂઢ થાય છે. બેભાન થયેલો તારો નીચલો હોઠ
મારા આકાશમાં સમાતો નથી; અને શિયાળો મોર થઈને
નાચવા લાગે છે, તારી મોંફાડની જાસૂદી નીચે.
.
.
ત્યારે આંખો મોરપિચ્છ બને છે; તારો અંધકાર સ્તાનાકાર હોય છે;
તેને અંજલીમાં પૂજનારા તીર્થંકર હાથ મારા હોય છે:
એ મારું એકાંત છ માત્રાનું હોય છે.
.
.
વસંત વૃષભની જેમ શિશિરને સૂંઘતો આવે છે;
ફૂલોને પુષ્ટતાનો જુસ્સો હોય છે; પાંખડી પાંખડીએ
અસહ્ય ક્ષણોની વાસ આવે છે; જયારે તારાં
પૃથ્વીને ગળી જનારા નિતમ્બ હરિયાળી પર હિલ્લોળે છે…
  તારા અભોગીને દાદરના સમભાવભર્યા આલિંગનની અપેક્ષા રહે છે.
.
.
– વિંદા કરંદીકર
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ જોશી)