બાર માસની એક ક્ષણમાં

.
.
ચિત્રોને પુષ્પિત કરતો ચૈત્ર
તારા દેહની માદકતા બન્યો છે
અને વૈશાખ વક્ષસ્થલમાં સ-ફળ થઈને
નવી સુગંધમાં ફેલાયો છે.
જેઠ મહિને તારા અંગોમાં
કોમળ જૂઈની મૃદુતાને ભરી દીધી
અને અષાઢે
આંખમાં ભરી દીધી છે ભીની કાજળની રાત!
શ્રવણે તારા ચહેરા પર
તડકો અને વરસાદની રોમરોમમાં ભરી દીધો
નવા અંકુરોનો ઉન્મેષ!
તારા શબ્દોમાં આસોના આકાશનો
ચમત્કાર સંયો છે
અને હાવભાવમાં
કારતક કરે છે શૃંગાર!
તારી ગતિની ભવ્યતામાં
માગશરનું ગૌરવ છે
અને મોહક લાવણ્યમાં
પોષની ચાંદનીની સ્નિગ્ધતા.
.
.
– બા. ભ. બોરકર
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements