પહેરો

.
.
તારી પાંપણોનો પહેરો મારા શબ્દ પર હોય છે
તેથી મારી કાવ્યપંક્તિમાં વ્યભિચારનો અંશ હોતો નથી
હંમેશા મારી કવિતામાં સત્યનો સહવાસ હોય છે.
.
.
મેળવેલું બધું તું સંઘરે છે અને જીવથીય વધુ તું મને સાચવે છે.
જેમ ઝાડ ફૂલનું જતન કરે છે તેમ, આકાશ જેમ સૂર્યને સાચવે છે તેમ.
સુખદુખમાંયે તારો સ્નેહનો ધૂપદીપ જલતો હોય છે.
.
.
શિલ્પકારની માફક ટાંકવા લાગે છે મારી પેન ઈચ્છાઓનો માળો
અને તેના પર તારીમારી આકાંક્ષાઓનું વીંટાળુ છું કંતાન
લીલી ડાળની માફક ઝૂકેલા તારા ગાલોની શીતળતા છે.
.
.
માળામાં ઊતરવા લાગે છે ચાંદની, હું જ મોર બનું છું
મોરપીંછા વીંઝી તારાઓ તરફ ઉડ્ડયન કરું છું
તું હર્ષથી કિલકિલાટ કરે છે: અને તારા પ્રાણ આંખોમાં ઝૂરે છે
.
.
કોઈ વાર શબ્દોની પલટણો ખભા પર રાઈફલો લે છે
કોઈ વાર ડોલતાં ખેતરો, કોઈ વાર બળવાખોર મજૂરો બને છે
શબ્દો ગરુડોની માફક લડે છે, તારી મૂઠીમાં મેઘઝરણું હોય છે.
.
.
– નારાયણ સુર્વે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: વસંત જોશી)

Advertisements