જે દિવસે એ ગઈ

.
.
જે દિવસે એ ગઈ
મેં મારો ચહેરો કાળો ચીતર્યો.
મેં જંગલી મનોરોગીષ્ઠ પવનના ચહેરા પર
જડબેસલાક લાફો માર્યો.
મારા જિંદગીના નાના નાના ટુકડા એકઠા કાર્ય.
અને તરડાયેલા દર્પણની સામે નાગો ઉભો રહ્યો.
મેં મારી પર વેર વાળીને સંતોષ માન્યો.
મેં વડપણના વટથી સૂર્ય સામે જોયું અને કહ્યું:
‘તું ચસકેલ છે.’
મેં વીણી વીણીને તમામ કલાકારોને
શાપ આપ્યા જેઓ પોતાના સપનાંઓને ચીતરે છે.
હું પૂર્વથી પશ્ચિમ તરફ ચાલ્યો.
રસ્તે મળતા પથ્થરોને મેં મારા તરફ ઝીંક્યા.
પર્વતો અને ઊંડી ખીણમાંથી ચિક્કાર ધસમસતાં
પાણી કેવા તો વહી જાય છે
કયા સમુદ્ર તરફ એ જઈ રહ્યા છે
અથવા તો દરિયાની સપાટી પર
જમીનમાં ટીપે ટીપે ઝમે છે?
જે દિવસે એ ગઈ
એ દિવસે શું હું મારો પણ હતો!
હું એના શબને ભેટી પણ ન શક્યો.
જે દિવસે એ ગઈ
મેં મારો ચહેરો કાળો ચીતર્યો.
.
.
– નામદેવ ઢસાળ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements