શતાવરીનો શ્વેત છોડ

.
.
ચોથો મહિનો જતો હોય એ
સગર્ભા સ્ત્રીના
પગ અને સ્તનોમાં
કેવી જોરદાર વિદ્યુતપ્રવાહ જેવી ઝણઝણાટી થાય છે
તેની વાત પણ કોણ કરે છે?
.
.
એ છે યુવાન, એ છે નાજુક અને રહ્યો છે આ પહેલી વારનો ગર્ભ
ઊબકા હવે થયા છે બંધ.
હજુ હમણા જ થવા માંડ્યું છે ઉદર ગોળમટોળ
ને આખોય દિવસ સ્તનમાં આવે છે ખંજવાળ.
.
.
અને પોતા વિષે જ એને લાગે છે નવાઈ
ઈચ્છે છે પોતે ફરી પોતા મહીં
કહેવા ચાહે છે એ –
આહ! આવ, અશ્વની જેમ દડબડ દડબડ આવ,
શ્વાનની જેમ પાછળ પાછળ, વરુની જેમ આક્રમક બનીને આવ,
બની જા મારું બચબચ ધાવતું સિંહબાળ –
.
.
ફરક અહી, ફરક તહીં, જ્યહીં-ત્યહીં ફર ફર ફરક મારા બાળ,
અટકીશ નહીં, સર સર સર વેગથી તરતો તરતો આવ.
.
.
લીલા નાળિયેર જેવું ગર્ભાશય,
લાપસ-ખસતા સ્નાયુઓ,
પાછા વળતા ઊંડા જળની જેમ,
લીલા નાળીયેરના દૂધથી થાય સરવાણી બંધ,
અને છતાંયે અતિઋજુ તેના સ્પર્શથીય
ગર્ભાશય ભીનું ભીનું
એ બધાની વાતે કરે છે કોણ?
.
.
કોણ સમજે છે તેની આ ઈચ્છા પાછળના તર્કને?
ધીમે ધીમે વધી રહેલા તેના રક્તને
જાગ્રત કરનારાં મોજાંઓની
કોણ વાતેય કરે છે?
.
.
અને ભૂખ
શતાવરીનાં છોડ જેવા આકાર સાથે
શરૂ થતો કાચોકચ ધખારો:
સૂર્યના તેજ-વિહોણી શ્વેત
અને ભૂરી ઝાંય સાથેની રક્તનળીઓ.
આંગળી કરતાંય જળ મોટા તેવા
ખરીદે છે તે ત્રણ કિલો છોડ શતાવરીના.
તેના રેશમિયા ઉપલા ભાગને થાપ્થાપાવે છે
કેટલાક એવા સુંદર ટોપીદાર છે!
તેની ગંધ પણ તેણે અંદર ને અંદર ખેંચે છે.
.
.
– સુજાતા ભટ્ટ
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: મહેશ દવે)