કોણ આ ?

.

.

સાવ સૂની પળ લખીને મોકલે છે કોણ આ ?

રિક્તતા કેવળ લખીને મોકલે છે કોણ આ ?

.

મોકલે છે એમને વરસાદની પહેલી ઝડી;

ને મને મૃગજળ લખીને મોકલે છે કોણ આ ?

.

સાવ સહસા રોજ મનનું વન લીલું સળગી ઊઠે:

રોજ દાવાનળ લખીને મોકલે છે કોણ આ ?

.

બે ઘડી દઈ સાવ ઊંડા અંધકારોનું જગત;

બે ઘડી ઝળહળ લખીને મોકલે છે કોણ આ ?

.

આપણે સૌ પાત્ર પોતાનું ભજવતાં બસ ‘કિરીટ’

વારતા આગળ લખીને મોકલે છે કોણ આ ?

.

– કિરીટ ગોસ્વામી