જળ સરોવર

.

જળ સરોવર પાળ છોડીને નીકળ,

જીવ તું જંજાળ છોડીને નીકળ.


તારું પણ અસ્તિત્વ સાબિત થઈ જશે,

ગર્ભમાંથી નાળ છોડીને નીકળ.


લક્ષ્ય સુધી પ્હોંચવું દુષ્કર નથી,

પંખી તું આ ડાળ છોડીને નીકળ.


આંગણે એનું થયું છે આગમન,

તું હવે પરસાળ છોડીને નીકળ.


વિસ્તરે “નાદાન” સમજણ તે પછી,

આ બધી ઘટમાળ છોડીને નીકળ.


-દિનેશ ડોંગરે “નાદાન”