દર્પણ

.
.
પ્રેમ કરવા માટે પુરુષ મેળવવો સહેલો છે
એક સ્ત્રી તરીકે તારી જરૂરિયાત શું છે
એ વિષે નિખાલસ રહેવાનું. એની સાથે દર્પણ સામે
નગ્ન ઉભી રહે જેથી એને એ પોતે સશક્ત લાગે
અને એવું માનતો પણ રહે અને તારે વધુ ને વધુ
સુંવાળા, જુવાન, નજાકતથી હર્યાભર્યા…કબૂલાત
કર્યે જવાની એના વિશેની. એના અવયવોની પૂર્ણતાની
નોંધ લેવાની, ફુવારા તળે લાલ થઇ જતી એની આંખ,
બાથરૂમની લાદી પરની ભારી શરમાળ ચાલ,
સરી જતો ટુવાલ, એની ખંખેરીને પેશાબ કરવાની રીત
આવી બધી એને ગમતી ઝીણી ઝીણી વિગતો
જે એને પુરુષ બનાવે છે કેવળ તારો પુરુષ.
બધું જ એને આપી દે સોગાતરૂપે, આપી દે તમામ
જેથી તને તું સ્ત્રી છે એવું લાગે. તારા લાંબા કેશની
સુગંધ, તારા સ્તન વચ્ચેના પ્રસ્વેદની કસ્તૂરી,
માસિક સ્ત્રાવના રક્તનો ઉષ્માભર્યો આંચકો અને
તારી તમામ અનંત નારી-ભૂખ. હા, પ્રેમ કરવા માટે
પુરુષ મેળવવો સહેલો છે, પણ પછીથી એના વિના
જીવવાનો કદાચ મુકાબલો કરવો પડશે. જીવન વિના
જીવવાની આ વાત છે. અજાણ્યા વચ્ચે જયારે તું
ફરતી હશે. તારી આંખોએ તલાશ છોડી દીધી હશે.
તારા કાન કેવળ એના સાદમાં
સાંભળતા હશે કેવળ તારું નામ અને તારું શરીર
એક વાર એના સ્પર્શથી ચમકતું હતું પિત્તળની જેમ,
હવે નીરસ, ઘરબાર વિનાનું અને ભૂખ્યુંડાંસ.
.
.
– કમલા દાસ
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)