પ્રણય પિંજર

.
.
પ્રણય પિંજર રૂપ ન બનવો ઘટે, એથી તો કેદ થઇ જાય છે ઊર્મિઓનો થનગનાટ. સંકુચિત થઇ જાય છે ભાવલહરીઓ. સાચો પ્રેમ તો વિસ્તરવાની જ વાત જ પ્રેરણા આપે. બાંધી રાખવાની વાત આવે ત્યાં માત્ર આસક્તિ જ ગણાય. જે પ્રેમ બંધિયાર છે, ખાબોચિયા સમાન છે તે ગંધાઈ જ ઊઠવાનો. જેના પ્રણયવારિ સતત વહેતા જ રહે તે જ બની શકે પ્રેરણારૂપ. અસંતોષથી કહોવાયેલ પ્રેમ શું સુગંધ આપવાનો હતો? મારું હૃદયપંખી સતત નવા ટહુકા ઝંખે છે. તમને ગમ્યા એ ટહુકા તમારે નામ. એ ભલે બની રહે મીઠા સંભારણા રૂપ પણ મને શા માટે બંધો છો? હું ઊડીશ નહિ તો હું પંખી શાનો? જેને પાંખ હોય અને આખું આભ ઊડવાનું સ્વપ્ન ન સેવે તેને પંખી ન કહેવાય. અને હા, તમને છોડી જવાની તો અહી વાત જ ક્યાં છે? તમે તમારું હૃદય ખુલ્લું રાખજો. મને સંતાડી દેવાનું મન ન થાય એવો આપણો સંબંધ થશે ત્યારે હું જ આવી ને બેસીશ તમારી બારીએ. ને હા, જો એ દરમિયાન કોઈ અન્યના ટહુકા તમે પોતાના કરી લીધા હશે તોય વાંધો નથી. હું એની ઈર્ષા નહીં કરું. તમારા સુખદ ભાવિના ગીત ચૂપચાપ ગાતો રહીશ. કારણ, જોરથી ગાવા જતા ગેરસમજ થવા સંભવ છે. આ વિશ્વમાં સ્વાર્થ વગર કોઈ કોઈનું ભલું ઈચ્છી જ કેમ શકે એ માન્યતાના મૂળ બહુ ઊંડા છે. હું માન્યતાઓ બદલવા નથી નીકળ્યો; એમાં જીવન વ્યતીત કરવું મૂર્ખતા છે. ને મારે માથે તો એક મોટું કામ છે. મારી પાસે તો એક એવી પ્રવૃત્તિ છે જે આજીવન પૂરી જ ન થાય – તને ચાહવાની. ત્યાં આ વાદવિવાદોમાં ક્યાં પડવું?
11111111122222222222222222
– તુષાર શુક્લ