કંઈ ન થઇ શકે?

.
.
શબ્દોનો પ્રતિઘોષ સાંભળવાની ઝંખના એ માનવસહજ અપેક્ષા છે. પૂજારી પણ પોતાના પ્રાણપ્રિયની આરાધના બે રીતે કરે છે; મનોમન, સ્વાગત નામસ્મરણ કરીને અને ક્યારેક પ્રગટપણે સ્તુતિગાન દ્વારા. એમાં એનો હેતુ પોતાની પૂજાપ્રવૃત્તિ પ્રચારનો હોતો નથી પણ પોતાની પ્રાર્થનાનો પ્રતિઘોષ સાંભળવાનો હોય છે. અલબત્ત, પ્રભુ એટલી જલદી પ્રગટ જવાબ નથી વાળતા એ ખરું, પણ મૂર્તિને તો એની પથ્થરીય મર્યાદા હોઈ હોઠ હલાવવા શક્ય નથી એને માટે. આથી જ તો એને એ અનાહતનો નાદ ભક્તના કાને પડવાને બદલે સીધો હૈયામાં જ ગુંજે છે. ત્યાં બે હૈયા વચ્ચે સેતુ રચાય છે. પણ એટલી ઉચ્ચતા સાધવાનું સહુ માટે શક્ય નથી. આથી જ તો ક્યારેક મૌનના આ મહાકાવ્યને આમ શબ્દસ્થ કરવા લલચાઈ જાઉં છું ને! ને એટલે જ એનો પ્રતિઘોષ પણ ઝંખું છું શબ્દોમાં. શબ્દોના પાત્રની નબળાઈ જાણું છું ને છતાં એનો જ આધાર લઉં છું, તું પણ લે એવું ઈચ્છું છું.
.
.
કાચ ફૂટી જાય એવી ચીજ છે ને છતાં એનો ઉપયોગ કરવાનું આપણે બંધ થોડું જ કરીએ છીએ? સહેજ ધ્યાનથી વાપરીએ છીએ, એ જ ને? તું પણ તારા મનોભાવોને શબ્દમાં ઉતાર ને? મૌન રમણીય હોય છે ક્યારેક, ક્યારેક ગમી જાય એવું હોય છે. મેં કહ્યું ને, તારા મૌન પરથી જ ‘હળવું ફૂલ’ શબ્દ આવ્યો હશે – પણ કોઈકને મૌનનો ભાર પણ લાગ્યો હશે ને? તો જ આવા ભેદ પડ્યા હશે ને મૌનની એક જ સ્થિતિના? ને ક્યારેક મૌન અકળાવે, મૂંઝવે એવું બને ત્યારે શબ્દોનો આધાર પાંગળો તો પાંગળો – લેવામાં શું ખોટું? તૂટી જવા કરતા વિપરીત પળોમાં વળી જઈને અસ્તિત્વ ટકાવી રાખવું એ કઈ ખોટું નથી. મૌનનો આ વધતો ઓથાર મારા સ્નેહને કચડે તે પહેલા કંઈ ન થઇ શકે?
.
.
– તુષાર શુક્લ