મારી વેડફાઈ ગયેલી ક્ષણો

.

.

રહી ગયેલા ઠૂંઠાને,
એશટ્રેમાંથી,
બારી બહાર ફેંકતો હોઉં છું ત્યારે,
મારી વેડફાઈ ગયેલી ક્ષણોના,
પડછાયાઓ દીવાલમાંથી ડોકાય છે;
પણ હું ત્યારે સામે રહેલા,
ફિલ્મ પોસ્ટરને જોતો હોઉં છું.
વહી ગયેલી તારીખના પાનાંઓ,
ફાડીને ફેંકતો હોઉં છું ત્યારે,
તેમાં રહેલા કળા અક્ષરો સાપની,
જેમ ફૂંફાડા મારે છે પણ,
રેડિયોના ઘોંઘાટમાં,
સંભાળતા નથી મને,
ખલાસ થઇ ગયેલા રેલવે પાસથી,
મુસાફરી કરવા જતા પકડાઈ ગયેલો હું,
ધ્રુજી ઊઠ્યો છું,
પણ,
જાગી નથી શકતો.
.
.
– કૈલાસ પંડિત