ખળખળ નદી હતી

.
.
ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી,
મારા વિશેની લાગણી, ભૂલી પડી હતી.
.
.
બોલ્યો હઈશ ઊંઘમાં, તે સાંભળી હતી,
એ વાત શાયદ દ્વારને, ભીંતે કહી હતી.
.
.
છુટા પડ્યાથી લાગણી, પૂરી થતી નથી,
ભૂલી જવાની વાત તો, તે પણ કરી હતી.
.
.
તારા અબોલા એટલે સુકાયેલું તળાવ,
તારું અમસ્તું બોલવું, ખળખળ નદી હતી.
.
.
પંખી બધાંયે સામટાં, ઊડી ગયાં પછી,
એકાદ ડાળી વૃક્ષની, તૂટી પડી હતી.
.
.
– કૈલાસ પંડિત