પ્રેમ, તું નીચે ઊતરી આવ

.
.
પ્રેમ, તું ઘણાય દિવસોથી
રાણીની જેમ પલંગ પર સૂતો છે.
જરિયાન વાઘા ઉતારીને, પ્રેમ,
તું નીચે ઊતરી આવ.
.
.
પ્રેમ, તું ઘણા ઘણા દિવસથી
ઉઘાડે પગે રસ્તા પર ચાલ્યો નથી.
પ્રેમ, તું રખડ શહેર-જંગલના રસ્તા પર
તારા બે પગે લાગવા દે
બકુલફૂલની રજ.
.
.
પ્રેમ, તું કેટલાય દિવસ, બોલ, કેટલાય દિવસથી
રડી શક્યો નથી –
તારી આંખોનું પાણી
નર્યું જામેલું મોતી થઇ ગયું છે.
.
.
પ્રેમ –
તું એક વાર આક્રંદને જોરથી વહેવા દે.
ફક્ત આંખના પાણીમાં જ નહીં
પ્રત્યેક રોમકૂપમાં
પ્રસ્વેદ બનીને ઝરવા દે તારા અસ્તિત્વને.
પ્રેમ, તું ઘણા દિવસથી
પ્રેમ કરી શક્યો નથી. તેથી
નગ્ન થઈને આવ.
.
.
પ્રેમ, તું ઘણાય દિવસોથી
રાણીની જેમ પલંગ પર સૂતો છે.
જરિયાન વાઘા ઉતારીને, પ્રેમ,
તું નીચે ઊતરી આવ.
.
.
– તનુશ્રી ભટ્ટાચાર્ય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements