સ્નાન

.
.
આજે સંકોચવશ કહું છું : એક વાર મુગ્ધ થવું છે.
દૂરથી નિહાળી છે. આજ સુધી જાહેરમાં કહ્યું નથી.
આટલા દિવસ ઝરણાનાં ખળખળતાં પાણીમાં
આળોટવાની હિંમત નહોતી થતી
આજે જોઉં છું તો
ડૂબકી મારવાનો સમય દિવસે દિવસે વહેવા માંડ્યો છે.
.
.
જાણું છું પુરુષ પાસેથી લૂંટફાટની આશા જ રાખી છે
તને ફૂલોના દેશમાં લઇ જવાની વાત કરીને
જે પ્રેમીએ તને રસ્તામાં જ છોડી દીધી છે.
એના જુઠ્ઠાં વચનોની મને જાણ છે તોય એ
જુઠ્ઠાણાંને હજીયે તે માળાની જેમ હૈયા સરસા રાખી સેંથીમાં પૂર્યા છે?
.
.
આજે જો હું તને એમ કહું કે એ માળાનું હાડપિંજર
ભાંગવાનો અધિકાર માંગવા હું આવ્યો છું?
જો હું એમ કહું કે, હું જ તે પુરુષ છું, જો તો ખરી,
જેને માટે તે આટલો સમય
તારી રોમાંચિત યમુનાને અક્ષત રાખી છે?
.
.
સાંભળ, હું તો નિશાચર, મેં આ સભ્યતાની સામે
હજીયે છુપાવી રાખી છે મારી દાઝેલી પાંખો;
સમગ્ર યુવાવાસ્થામાય મારી આ ઊંડી વેદના
હળવી નથી થઇ. મેં એકલાએ જોયો છે
ફૂલનો જન્મ મૃત્યુશય્યા પાસે થતો,
જન્માંધ છોકરીને હું ચાંદનીની કલ્પના આપવા
માંગું છું તેથી હજીયે
રાતની આ મરુભૂમીને મેં જાગતી રાખી છે.
.
.
જો, એ વેરણ રાતે એ આંખોના સંકેતને
બીજી આંખો સુધી પહોંચાડ્યો છે
જો તને એ સમજાય તો
એક વાર આ બધીર કવિને મુગ્ધ કર;
એ જો સંકોચ પામે તો લોકસમાજ સામે ઉભી રહી
એને અંધ બનાવ, એની દાઝેલી આંખો પર
વહાવી દે તારાં અધૂરાં ચુંબન.
પૃથ્વી ભલેને જોતી, આ તીખા સૂરજની સામે તું
આ સભ્ય રાહદારીઓને આગે બળતાં સ્તબ્ધ કરી,
ઉન્માદી કવિ સાથે પ્રગટ ઝરણામાં સ્નાન કરી રહી છો.
.
.
– જય ગોસ્વામી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements