વિદાય

.
.
હવે એને મળવાનું થતું નથી, લોકારણ્ય,
છિન્નભિન્ન કલકત્તા
શાહીના ખાડિયાને ઊંધો વાળ્યો હોય એવો
બેફામ વરસાદ, બેકાબૂ, અફાટ કાદવિયા પાણીમાં
ડૂબું ડૂબું ટ્રાફિક આયલેન્ડ જળમાં કેદ બની
આ નાટકમાં જાગી રહ્યું છે.
જાણે આંખે પાટા બાંધેલા માણસો નિકટ આવે
અને દૂર જાય, હળવાં ડગલાં, મંદ નિશ્વાસ, થોડોક
ધીમો બબડાટ નજીકથી સંભળાય.
મને ખબર છે, તું પણ ક્યાંક છો આ દ્રશ્યમાં
પણ તને મળી શકતો નથી.
ઉત્તર દક્ષીણ પૂર્વમાં જોર વધતું જાય છે
ધીમે ધીમે કલકત્તાની મુઠ્ઠીમાં છિદ્રો પુરાતા જાય છે.
જોખમકારક બસ એક બાજુ વંકાતી, વિનંતી કરતી કરતી
આંખના પલકારામાં બીજી દુર્ઘટનાની દિશામાં ચાલી
જાય છે.
હવે એને મળવાનું થતું નથી બંધ થયેલા ફોન પર
કાન માંડી માંડીને.
.
.
સ્લેટ પરના લખાણની જેમ ભૂંસાઈ ગયા છે
પ્રિયજન, મિત્રો, નારી –
જે મારી આંખોનું જળ હતી.
મારી ઘડિયાળ સાથે એનું ઘડિયાળ મળતું
બસસ્ટોપ પર…
ન લખાયેલી કથાનાં કેટલાંક પૃષ્ઠો…
કોઈક અગાસીની ઓરડી, દાદરા નીચેની ઘોલાકીમાં,
ખોવાઈ ગયા છે ઘુમરીઓ લેતી સમડીના આકાશમાં,
સ્ટેમ્પ વગરના પત્રોમાં, શરમ છોડાવનારું પ્રથમ ચુંબન.
.
.
હું જ મહામૂર્ખ છું. હું હમેશની વિદાય સમજી શક્યો નહીં.
.
.
– આનંદ બાગચી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements