આપણે અહીં

.
.
આપણે અહીં બેઠા છીએ, આકાશમાં છે પેલી ઘેરી નીલિમા,
જાળીવાળી ઓસરી, દરવાજાનું કડું, અહીંનું બધું જ
ધાતુનો કર્કશ અવાજ કરનારું છે.
.
.
ટેબલ પરના પ્યાલાનું ફૂલનું ચિત્ર, તે પણ
સૌરભનું તોફાન ઝીલી લઇ, પેય પદાર્થની જેમ
શાંત બની ગયું છે.
ઓરડામાં કેદી બનેલો સવારનો તડકો
કુમારિકા જેવો શુદ્ધ, ભીરુ અને કુંઠિત!
થોડીક હાલચાલથી પણ ભાંગી જાય એવો આ સંસાર!
આપણે ખુબ સાવધાનીથી, આપણા પડછાયાનેય
કાંપવા દીધા વગર બેઠા છીએ,
.
.
જાણે આજીવન…
અને જાણે આયખાને આ બે શૂન્ય પ્યાલાઓમાં
પી રહ્યા છીએ
ઘૂંટડે ઘૂંટડે એ અમૃત-ઝેર
પોતપોતાનું છુપાવીને.
.
.
– અનિરુદ્ધ કર
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements