હું તને ફરીથી મળીશ

.
.
હું તને ફરીથી મળીશ.
ક્યાં? કંઈ રીતે? નથી જાણતી.
કદાચ તારી કલ્પનાશક્તિની ચિનગારી બનીને
તારા કેનવાસ પર અવતરીશ.
અથવા કદાચ તારા કેનવાસ પર,
એક રહસ્યમય રેખા બનીને
ખામોશ થઈને તને જોતી રહીશ.
.
.
અથવા કદાચ સૂરજનું કિરણ બનીને,
તારા રંગોમાં ઓગળી જઈશ.
અથવા રંગોના હાથ પર બેસીને
તારા કેનવાસને.
ખબર નથી કેમ – ક્યાં?
પણ તને જરૂર મળીશ.
.
.

.
.
અથવા કદાચ એક ઝરણું બની જઈશ,
અને જેમ ઝરણાનું પાણી ઉડે છે તેમ
હું જળનું બુંદ થઈને,
તારા શરીર પર હોઈશ.
અને એક ટાઢક જેવી થઈને,
તારી છાતીને વળગીશ
હું વધુ કંઈ નથી જાણતી,
પણ એટલું જાણું છું
કે સમય જે કંઈ પણ કરશે,
તે આ જન્મ મારી સાથે ચાલશે…
આ શરીર હોય છે
ત્યારે બધું જ ખલાસ થઇ જાય છે.
પણ ચેતનાના ધાગા,
બ્રહ્માંડના કણોના હોય છે.
હું એ કણોને વીણીશ,
ધાગામાં પરોવીશ,
અને તને હું ફરીથી મળીશ…
.
.
– અમૃતા પ્રીતમ
(ભાષા: પંજાબી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements