પ્રેમ, તું નીચે ઊતરી આવ

.
.
પ્રેમ, તું ઘણાય દિવસોથી
રાણીની જેમ પલંગ પર સૂતો છે.
જરિયાન વાઘા ઉતારીને, પ્રેમ,
તું નીચે ઊતરી આવ.
.
.
પ્રેમ, તું ઘણા ઘણા દિવસથી
ઉઘાડે પગે રસ્તા પર ચાલ્યો નથી.
પ્રેમ, તું રખડ શહેર-જંગલના રસ્તા પર
તારા બે પગે લાગવા દે
બકુલફૂલની રજ.
.
.
પ્રેમ, તું કેટલાય દિવસ, બોલ, કેટલાય દિવસથી
રડી શક્યો નથી –
તારી આંખોનું પાણી
નર્યું જામેલું મોતી થઇ ગયું છે.
.
.
પ્રેમ –
તું એક વાર આક્રંદને જોરથી વહેવા દે.
ફક્ત આંખના પાણીમાં જ નહીં
પ્રત્યેક રોમકૂપમાં
પ્રસ્વેદ બનીને ઝરવા દે તારા અસ્તિત્વને.
પ્રેમ, તું ઘણા દિવસથી
પ્રેમ કરી શક્યો નથી. તેથી
નગ્ન થઈને આવ.
.
.
પ્રેમ, તું ઘણાય દિવસોથી
રાણીની જેમ પલંગ પર સૂતો છે.
જરિયાન વાઘા ઉતારીને, પ્રેમ,
તું નીચે ઊતરી આવ.
.
.
– તનુશ્રી ભટ્ટાચાર્ય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements

મહા નારીપાશ

.
.
એક વાર ભગ્ન જુઠી પૃથ્વીના હાથમાંથી છૂટી ગયા પછી હું
ચાલ્યો જઈશ ક્યાંક સોનેરી મેઘાલોકે;
તોયે તારા દેહમાં રહી જઈશ, રહી જઈશ, નારી,
દેહની અંદર પ્રાણે, પ્રાણની અંદર મનોલોકે.
.
.
કઠોર આઘાત પામી અંધારામાં શીખાની જેમ
ધાતુની અંદરથી જાગી ઉઠીશ હું
એ જ વ્યથા અને એ જ અંધકાર પૃથ્વીધાતુને
છોડીને દૂર ગતિ કરવાની ઇચ્છાવાળા
પ્રકાશની જેમ પ્રગટીને હું સૂર્યમાં ઊડી જઈશ;
ભળી જઈશ તારાઓની ભીડમાં;
દેહ નહીં, પ્રાણ નહીં, મન નહીં અમાપ આભા વડે
પ્રાણ મન દેહ થઇ જઈશ હું તારા શરીરમાં.
.
.
– જીવનાનંદ દાસ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: ભોળાભાઈ પટેલ)

તને ચાહીને

.
.
આજના સવારના પ્રકાશથી ઉજ્જવળ છે
આ જીવનનું પદ્મપત્ર ઉપરનું જળ;
તોપણ આ જળ ક્યાંકથી એક નીમેશમાં આવીને
ક્યાંક ચાલ્યું જાય;
હું સમજ્યો છું તને ચાહીને
પદ્મપત્ર પર રાત વીતતાં.
.
.
મારા મનમાં અનેક જન્મોથી હતી વ્યથા
એ સમજીને આ જન્મમાં તું બની પદ્મપત્ર;
થઇ તું રાતનું ઝાકળ –
ઝાકળ ઝરવાનો અવાજ
આખી રાત પદ્મપત્ર પર;
તોયે પદ્મપત્ર પર એ જળ ટકાવી રાખવું છે મુશ્કેલ.
.
.
શાશ્વત પ્રેમમાં ઈચ્છા કરી તેમ છતાં ચંચલ
પદ્મપત્ર પર તારા જળમાં હું ભળી ગયો થઇ જળ;
તારા પ્રકાશમાં હું પ્રકાશ થયો,
તારા ગુણમાં ગુણ;
તેમ છતાં અનંત કાલ તાક્નારા પ્રેમની ખાતરી છતાં
આ કરુણ જીવન, હાય ક્ષણસ્થાયી હાય.
.
.
તેમ છતાં આ જીવનનું સત્ય પામી શક્યો છે એક તલભાર;
પદ્મપત્ર પર તારોમારો મેળ;
આકાશ નીલ, પૃથ્વી આ મીઠી,
તડકો ઊભરાય, ખાંડણિયામાં ડાંગર ખંડાય;
પદ્મપત્ર તેનું પાણી લઈને – તેનું પાણી લઈને હાલે.
પદ્મપત્રમાં પાણી ખૂટી જાય.
.
.
– જીવનાનંદ દાસ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: ભોળાભાઈ પટેલ