તમે મને પ્રેમ કરો છો તો…

.
.
તમે મને પ્રેમ કરો છો તો
કહેવાની જરૂર નથી કે
હું તમને પ્રેમ કરું છું.
.
.
તમે મને પ્રેમ કરો છો તો
સામેની દીવાલ પર લટકતાં
રાસલીલાનાં કેટલાંક ચિત્રો
ફરી પાછા જીવંત થઇ જશે
અને ગોપીઓ ને કૃષ્ણ ધીમે ધીમે
આગળ આવીને સામે
આંગણામાં ઊભાં રહેશે
અને તમારી લીલાની કથાઓ
મારી અંદર ભજવાશે
અને કૃષ્ણ અને ગોપીઓ ઝૂલવા માંડશે
વાંસળીના લયતાલે
– સજીવન થશે
– મારી સાથે
-તમારી સાથે
તમે મને પ્રેમ કરો છો તો.
.
.
તમે મને પ્રેમ કરો છો તો
અજન્તાના પેઈન્ટીન્ગ્સ
જીવંત થઇ જશે
પરસ્પરની આંખમાં દીપ પ્રગટાવતાં
તેઓ પ્રકાશની ભેટની શોધમાં
બહાર નીકળશે
તમે મને પ્રેમ કરો છો તો.
.
.
તમે મને પ્રેમ કરો છો તો
કમળપાન પર ટીપુંયે નહિ રહે
ટીપાંઓ વાદળના રથમાં બેસીને
મારા આંગણામાં વરસશે
અને પછી તમારા મુખ પર વિરામ લેશે
એક પછી એક
તેઓ સમગ્ર પૃથ્વી પરનો મેલ ધોઈ નાખશે
અને
તમારા હોઠ કમળપાંખડીની જેમ ઉઘડશે
એ કહેવા માટે
જે સાંભળવાની હું વર્ષોથી પ્રતીક્ષા કરું છું.
એ પ્રગટ થવું જ જોઈએ.
.
.
અહી ત્યાં સર્વત્ર પાંગરેલી કળીઓ
પોતાના નાનકડા મુખ ખોલીને
પોતાના નાનકડા કાન ખોલીને
પોતાના નાનકડા હાથ ફેલાવીને
માટી નિયતિ ફરીથી લખશે
નવી પ્રારબ્ધરેખાથી
મારા આંગણાને ભરી દેશે
જાતજાતની બક્ષીસો અને ધાન્ય વડે.
.
.
તમે મને પ્રેમ કરો છો તો
મારું અંગેઅંગ કસ્તૂરીથી મહેક મહેક થઇ જશે
સુગંધથી મદમસ્ત, ગાંડુતૂર, ઉન્મત્ત,
હું બધા સંબંધોથી મને અળગી કરીશ
તમારા શબ્દો સાથે તરીને
સમુદ્ર ઓળંગીને
હું પહોંચીશ એ દ્વારે
જે મને આવકારશે અંત:કરણમાં,
ખુલ્લા આકાશની જેમ!
.
.
તમે મને પ્રેમ કરો છો તો
વાદળોમાંથી સ્વચ્છ આકાશ પ્રગટ થશે
જ્યાં ચંદ્રનો સમુદ્ર
ચાંદનીને બોલાવશે તેમાં સ્નાન કરવા
અને ફૂલની હળવાશથી ઝુકશે
આદર કરશે બધા સર્જનોનો.
.
.
તમે મને પ્રેમ કરો છો તો
દુનિયા બદલાઈ જશે
ઘોંઘાટો વચ્ચે પણ
હું સાંભળી શકીશ
જે આવશે
તમારા હોઠ દ્વારા નહીં
પણ તમારા આત્મામાંથી.
.
.
એ અવાજના લયતાલે
નવા યુગનું પરોઢ થશે
નગ્ન વૃક્ષો ફૂલોથી લદાઈ જશે
માટીની ગંધ
પૃથ્વીની સુગંધનો રંગ ધરશે.
હળવી થઈને
હું ચંદ્ર તરફ ઉડીશ
સુગંધ મારા શરીરને ભીંજવશે
મારા શરીરનો પ્રેમ
ફૂલો સાથે મ્હોરી ઊઠશે
પછી તમારે કહેવાની જરૂરી નહીં રહે
હું તને પ્રેમ કરું છું.
.
.
– પદ્મા સચદેવ
(ભાષા: ડોગરી)
(અનુવાદ: જયા મહેતા)