એક સૂફી રોમાન્સ – ભાગ : ૧ – મિલન

.
.
શા માટે તે મારે વિશે કર્યો પ્રેમ?
જોયું નહીં, આકાશમાં વાદળાં વીખરાઈ જાય છે, ને બદલાય છે
ઈશ્વરના ચહેરાઓ?
નથી જાણતી તું, કે હોડીના વેગ વડે કોઈ સ્પર્ધા ન કરી શકે
પાણીની ઝડપ સાથે?
.
.
અને પીરામીડોના પથ્થરિયા દરવાજા ફંગોળી
હઠાત જે આવે જ છે બહાર
કબરોના લોખંડી ઢાંકણ ઉઘાડી કોઈ પણ પળે ચાલ્યું જશે
તો ક્યાંક.
વળી, રાતા રંગનો પોપડો વારંવાર ચઢાવીએ છીએ આપને જેની ઉપર
તે લોહીની
ભૂરા ભૂરા થઇ જવાની હઠ,
ક્યારેક તો આખેઆખીય સંતોષવી જ પડવાની.
છતાં
આપના ગાઢ ચુંબનમાં ભીડાયેલાં હોઠ પર
જે રેલાય છે
તે ગરમ લાવાના ધસતા પ્રવાહોને ખડકોના ઊંડાણમાં
તું જગાડે છે, શા માટે?
જે અથડાય છે
તે દાટી દેશે કઈ સંસ્કૃતિને?
જન્માવશે કઈ સૃષ્ટિને?
.
.
– સિતાંશુ યશશ્ચન્દ્ર