ભિખારી

.
.
ક્ષણે ક્ષણે
હું આવું છું તારી કને
જીવન માટે ભીખતી
ઝંખતી પૂર્ણ જીવનને
ને રાત્રીથી ચિક્કાર હોય
ક્ષણોથી વીંટળાયેલું હોય
તારાથી સભર સભર.
.
.
પણ તે મને આપી
માત્ર એક ક્ષણ.
તે પણ તોલીને, માપીને,
તરસી, મૂંઝાયેલી, અપૂર્ણ.
તેથી તો હું પ્રત્યેક ક્ષણ
તારી પાસે માંગું છું
જેથી મને
પૂર્ણ જીવન મળે.
.
.
આમ જુઓ તો
હું કૈં ભિખારી નથી.
તારી એક સ્નેહભરી નજર માગી
એથી વિશેષ તો શું?
વરસાદ પછીના ધવલ, સ્વચ્છ
આકાશ જેવી નજર.
પૂર્ણ સંતુષ્ટ સ્ત્રીની
પ્રકૃતિની જેમ તીવ્ર ગંધ અનુભવાય.
.
.
કશું તે ન આપ્યું છતાંય
મેં તને એક કિતાબ આપી
આ કિતાબ દ્વારા જ હું જોતી હતી.
તારે મન આ કિતાબનું
શું કોઈ મૂલ્ય નથી?
તું શું આવી ન શકે
મારી કને
અખિલાઈભર્યા જીવનથી?
.
.
– પદ્મા સચદેવ
(ભાષા: ડોગરી)
(અનુવાદ: સુરેશ દલાલ)