બિંદુ

.
.
જયારે હું જળનું બિંદુ હતી
જયારે હું હતી કથાનો તંતુ
હું સરકતી હતી પરની જેમ
વિધાતાની હથેળી પરથી.
.
.
ત્યારે હું હસ્તરેખા ઉકેલી શકતી
કથાઓના રહસ્યોને દિવ્યતા આપી શકતી
જયારે હું જળનું બિંદુ હતી.
.
.
જયારે હું લાલ રક્તબિંદુ હતી
મેં મારી પ્રિયતમની આંખને આંજી
મેં અનુભવી એના શબ્દોની ઉષ્મા
એનું લાલ લોહી મેં સેંથીમાં લગાવ્યું
મેં મારે માટે જીવનનો સીધો રસ્તો લીધો.
હજી પણ એ પ્રેમની સ્મૃતિ લીલીછમ છે.
જે પ્રેમને ટીપે ટીપે પીધો હતો.
.
.
પછી તો હું આંસુનું બિંદુ થઇ ગઈ
ગરમ તવા પર ગતિમાં ઘૂમતું
અને કોઈ દૂર દૂર બેઠેલી એકલવાયી વ્યક્તિની
આંખમાંથી પડતું.
.
.
– પદ્મા સચદેવ
(ભાષા: ડોગરી)
(અનુવાદ: મંઝીલ પંડ્યા)