નારી

.
.
બે નેત્ર, બે અધર ને ભુજબંધ વચ્ચે
મારા તમામ વસતાં જગ હોય જાણે!
હું તો હજીય તવ લોચનની કીકીની
ચોપાસ ફેર ફરતો રમતો રહ્યો છું.
છૂટા પડેલા ગ્રહ-શો.
.
.
તું એક સ્પર્શ થકી નિકટતા જગાવે,
શૂન્યાવકાશ પ્રગટે તવ રિક્ત સ્પર્શે,
ને કોક સ્પર્શ મહીં તું સરકે સુદૂરે,
શું સ્પર્શના વિવિધ વૈભવનું રહસ્ય!
.
.
તારા સ્વરે પમરતો, તવ મૌન કેરી
શીળી તમિસ્ત્ર-લહરે તરતો રહીને
વાંછી રહ્યો : નિખિલને – મુજને વિસારી
આ રક્તગંધમય આશ્રય કામ્ય નારી!
.
.
– રઘુવીર ચૌધરી