સવારે

.
.
સવારે પંખીઓ પગરવ લઈને સૂરજનો
ઊડે, એની આભા નભ મહીં પછી જાય તરતી.
અવાજે એના કૈ ગગન ઊઘડે, જાય ઊડતી
દિશાઓ, વૃક્ષોનાં આધાર સમ આ પાન ફરકે.
.
.
નમેલી આ ડાળી, કલરવ બધે, આંગણ મહીં
ખીલેલું આનંદે સૂરજમુખીનું ફૂલ નમણું,
સુગંધે પુષ્પોની પવન પમરે, નિદ્રિત ડગે.
.
.
ઊઠું, આંખો ચોળું, હડફ કરતો કે સૂરજ તો
વરંડો કૂદીને ઘર મહીં હવે જાય, ચમકું.
.
.
થઇ બેઠો જોઉં કિરણ અમથું એક અડતું
પણે પેલી નાની તસવીર કને; કોઈ મલકી
ઊઠે ચ્હેરો જાણે મન-ગગનમાં, ને મલપતી
હવા પ્હેરી કોઈ હળુંહળું પગે આવી વદતું
‘ચલો! મોડું થ્યું છે…’
.
.
– પ્રબોધ ર. જોશી