વાર વાર!

.
.
વાર વાર
સંધ્યાકાશે પલકે બે કોની ઋજુ પાંપણનો પલકાર?
.
.
વાર વાર
કોના તારે જાગી ઊઠે સ્મરણના ધબકાર?
.
.
વાર વાર
વહી રહ્યા વાયુ મહીં કોનો મૃદુ સ્પર્શ લહું પારાવાર?
.
.
વાર વાર
ખીલી રહ્યા કમળના ફૂલ મહીં
કોના મધુ મુખનો તે આવી રહ્યો અણસાર?
.
.
વાર વાર
કોના તે આ પદધ્વની મહીં ધીરે સુણી રહું
લયાન્વિત કવિતાનો ભણકાર?
.
.
વાર વાર!
.
.
– નલીન રાવળ