અમે સાથે સાથે

.
.
અમે સાથે સાથે દિવસભર, ને રાત પડતાં
નકી સાથે સૂતાં, પળ પણ વિખૂટાં ન પડતાં,
વળી કામેકાજે અવર કદી સંજોગોવશ વા
પડ્યાં જો જુદાં તો ખબર પૂછતાં ફોન કરીને,
કરી વાતો હૈયા તણી પ્રણયપત્રો લખી લખી.
અમારું બન્નેનું નથી જ નથી અસ્તિત્વ અળગું,
ભલેને જુદાં છે શરીર અમ બે, પ્રેમરસથી
ગળાયા બે આત્મા, હૃદયદ્રય  છે એક અવ તો.
.
.
નથી આવો જોયો પ્રણય કદી મેં વા અનુભવ્યો
– નકી માનું કોઈ પરભવ તણાં પુણ્ય સબળા –
પરંતુ પૂછું છું કઠણ હૃદયે : વિધિવશ જો
અનિચ્છાએ છૂટા કદી થવું પડ્યું તો શું કરશું?
કહે કોની સાથે જીવન જીવશું એક થઈને
અને કોની સાથે ઉર તણી પછી વાત કરશું?
.
.
– નટવર ગાંધી

Advertisements