પ્રિય…..ને,

.
.
તમે મને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.
.
.
તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.
.
.
તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
 તમે મને સાઈરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.
.
.
તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.
.
.
– જયા મહેતા