હું માશૂક બદલતો રહું છું!

.
.
હું, માશૂક બદલતો રહું છું!
એક જ રૂપ, સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું!
હું, માશૂક બદલતો રહું છું!
.
.
કદી વૈરાગી, કદી વિલાસી,
કદી વૈભવરત, કદી ઉપવાસી,
કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
કદી અધુરો, કદી છલતો રહું છું!
હું, માશૂક બદલતો રહું છું!
.
.
કદી મિલનમાં પણ હું રહું ઠાલો,
કદી વિરહમાં પણ મતવાલો,
કદી ગંભીર, કદી અતિ કાલો,
કદી સુક્કો, કદી લહેરી લાલો,
કદી ટાઢો, કદી જલતો રહું છું!
હું, માશૂક બદલતો રહું છું!
.
.
હું ચાંદો, સખી, તું મુજ ધરતી,
વધુઘટું રંગ તારો વર્તી:
આરતી બનીને તારા ફરતી
પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી!
તૃપ્ત તોય ટળવળતો રહું છું!
હું, માશૂક બદલતો રહું છું!
.
.
– કરસનદાસ માણેક