તને જોઇને

.
.
નાળીયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઇને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડાં એક પછી એક ખુલે.
મન જાણે છે કેટલી થઇ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચટદન લેપ.
સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઇ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે
ગણ્યા પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ નેજવું થ્યો એક જણ,
પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીર ને કામઠાં ભૂલે.
.
.
– સંદીપ ભાટિયા