ગુલાબ પાસે ઊભા રહેતાં –

.
.
ગુલાબ પાસે ઊભો રહું તો
મને લાગે હું તમારી પાસે
ઊભો છું.
આહા તમારા શરીરમાં ક્યાંથી આવી
આ ગુલાબની સુગંધ!
.
.
  પીળક પંખી કીચ વિચ કરતું
ઊડી જાય છે ત્યારે મને લાગે છે
કે હું તમારા મનમાં બેસી ગયો છું.
આહા! તમારા મનમાં કોને લગાડી દીધી છે
પતંગિયાની રેશમી પાંખ!
.
.
સવારનો તડકો આખા આંગણમાં ફેલાઈ જાય ત્યારે
મને લાગે છે કે હું એકાકાર
બન્યો હું તમારા શરીરમાં
મરુન રંગના શેલા જેવું
આહા! તમારા શરીર પર ક્યાંથી આવી
કાંચી દેશની આ મયુરકંઠી સાડી!
.
.
ભાદરવાની ખરી બપોરે
કવિતા લખવા બેસું ત્યારે મને લાગે છે
હું તમારું મૌન વારંવાર તોડું છું.
ચુંબન માટે આગળ વધેલા હોઠ
તમારા હોઠના ઉદાસીન પ્રાંગણમાંથી
પાછા ફરે છે.
.
.
દર્પણ સામે ઊભા રહેતાં
મને લાગે છે હું તમારી કાયા પાસે
છાયા બની ફરું છું.
તમારા શરીરની ભૂરી યંત્રણામાં
બળું છું.
.
.
આહા! આ વર્ષની શીતલ સવારમાં
તમારા સ્તનાગ્ર કેટલા અદભુત
કેટલું અદભુત છે તમારા
બગીચાનું ફૂલ.
.
.
– ઉમાશંકર પંડા
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: રેણુકા શ્રીરામ સોની)