કાંધ આદિવાસીનું પ્રેમગીત

.
.
પહાડના ઢોળાવમાં
તારી પાસે પ્રેમ માંગ્યો, સ્વપ્ન માંગ્યું
સ્પર્શ માંગ્યો
કહ્યું અહીં ખેતી કરતા માણસોનો કોલાહલ
અહીં નહીં.
.
.
સાંજના અંધારામાં
મહુડાના ફૂલની સુગંધથી મહેકતા ગામની ભાગોળે
તારી પાસે પ્રેમ માંગ્યો, શરીર માંગ્યું
નહિતર વચન આપ કહ્યું
કહ્યું તે આગિયા અને ખાલી તારાનો
મને હંમેશા ખૂબ ડર
આ એકાંતથી નાસી જવું સારું.
.
.
ગાઢ જંગલમાં પોતાની છાતીના ધબકારા પોતાને સંભળાતા
તારી પાસે પ્રેમ માંગ્યો, સ્પર્શ માંગ્યો
કહ્યું, છી! અહીં મેલી ધૂસર છે માટી
ફૂલ જેવું આ શરીર, સોના જેવો મારો આત્મા
કરમાઈ નહીં જાય! રગદોળાઈ નહીં જાય!
અહીં નહીં, અહીં નહીં.
.
.
નદીકિનારે કોઈ ન હતું
એકલું પંખી કેવળ ગીત ગાતું હતું
તારી પાસે સ્પર્શ માંગ્યો, અંધકાર માંગ્યો
કહ્યું, નદીના પાણીના સ્વચ્છ દર્પણમાં તો
બધું દેખાય છે.
અહીં નહીં, અહીં નહીં.
.
.
આખી પૃથ્વી ઊંઘતી હતી
ચાંદો અને તારા પણ
મેં તારી પાસે સ્પર્શ માંગ્યો, પ્રાણ માંગ્યો
ધ્રુજતા મારા આત્મા માટે
શરીરના માળામાં થોડી અમથી જગ્યા માગી
કહ્યું અંધકારમાં પણ તમારી આંખોના દર્પણમાં
બધું સ્પષ્ટ દેખાય છે
હમણાં નહીં, હમણાં નહીં.
.
.
બે ડોળા ખેંચી કાઢી
લે તને કમળફૂલ સ્વરૂપે ભેટ આપું
હવે સ્પર્શ દે, પ્રેમ દે, અંધકાર દે
અકિંચન આત્માને આશરો દે.
.
.
– સીતાકાન્ત મહાપાત્ર
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: રેણુકા શ્રીરામ સોની)