નથી શકતા!

.
.
મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા;
તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતા!
.
.
અમસ્તા આપમેળે કહી દીધા છે દર્દ જીવનનાં,
કોઈ સામે જરા પૂછે તો સંભળાવી નથી શકતા!
.
.
અમારી સૌ સ્વતંત્રતાની કુરબાની અમે આપી,
છતાં શું છે કે રંજનમાં તને લાવી નથી શકતા!
.
.
જરા સમજો, અમારી શું દશા થઇ છે મોહબ્બતમાં;
તમારી વાતમાં પણ દિલને બહેલાવી નથી શકતા!
.
.
કહે છે સૌ મિલન માટે જરૂરી છે ચતુરાઈ,
અમે સાદા, કોઈ પણ વાત ઉપજાવી નથી શકતા!
.
.
‘મરીઝ’ આપે ઘણાં ફૂલો ખીલવ્યાં, તાઝગી આપી,
કળી દિલની તમારી કેમ વિકસાવી નથી શકતા?
.
.
– અબ્બાસ અબ્દુલ અલી વાસી (મરીઝ)

Advertisements