શ્રીનાથજી રાજભોગ દર્શન

રાજભોગ દર્શન : આ દર્શન કરવાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે.

તમે પહેલાં કોળીયો ભરો
અમે પછીથી ખાશું
નેણની ઝીણી ઝારી લઈને
જમના જળને પાશું…

ભાવનાઓ છે પાનનું બીડું
એને મુખમાં રાખો
મીરાં ને શબરીની ભક્તિ
હળવે-હળવે ચાખો
અમે વ્હાલથી વીંઝણો કરીએ
ગીત તમારા ગાશું…

તમે ખાઓને તૃપ્તિ અમને
એવી અમારી પ્રીત
રોમરોમથી જુઓ વહે છે
મુરલીનું સંગીત
અમે તમોને જોતાં-જોતાં
કદી નહિ ધરાશું…

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન: આસિત દેસાઈ
શબ્દો: સુરેશ દલાલ

શ્રીનાથજી ગ્વાલ દર્શન

ગ્વાલ દર્શન: આ દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે.

.

તમે ચરાવવા જાઓ મારા જાદવા

મારી ઈચ્છાઓ છે કામધેનું

તમે ચરાવવા આવશો નહિ તો

જીવનભરનું અમને મહેણું…

ઘાસ પાસે અમે એકલા જશું તો

થઇ જાશે એ એવું ખડ

તમારી સંગે વૃંદાવન થાશે

વેરાન હોય કે ઉજ્જડ

તમારી સંગાથે ચાલતા ચાલતા

હવામાં વાગતી હોય વેણું…

એક-એક કોળીયો વાગોળ્યા કરીએ

શ્યામ સાથે મંડાયે મીટ

ફરવાનું બહાનું છે, ચરવાનું બહાનું છે

પીએ આકંઠ તારી પ્રીત

તમે અમારી વાચા છો, ત્વચા છો

ઉપરનું કંઈ નથી ઘરેણું…

.

સ્વર: ચંદુ મટાણી અને વૃંદ

સ્વરાંકન : આશિત દેસાઈ

શબ્દો: સુરેશ દલાલ