.
.
આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવા જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જુના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમરના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આર્વિભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાઓની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!
.
.
- ગ્રેસ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જગદીશ જોષી)
ગદ્ય
June 2, 2012
May 28, 2012
.
.
ચોથો મહિનો જતો હોય એ
સગર્ભા સ્ત્રીના
પગ અને સ્તનોમાં
કેવી જોરદાર વિદ્યુતપ્રવાહ જેવી ઝણઝણાટી થાય છે
તેની વાત પણ કોણ કરે છે?
.
.
એ છે યુવાન, એ છે નાજુક અને રહ્યો છે આ પહેલી વારનો ગર્ભ
ઊબકા હવે થયા છે બંધ.
હજુ હમણા જ થવા માંડ્યું છે ઉદર ગોળમટોળ
ને આખોય દિવસ સ્તનમાં આવે છે ખંજવાળ.
.
.
અને પોતા વિષે જ એને લાગે છે નવાઈ
ઈચ્છે છે પોતે ફરી પોતા મહીં
કહેવા ચાહે છે એ -
આહ! આવ, અશ્વની જેમ દડબડ દડબડ આવ,
શ્વાનની જેમ પાછળ પાછળ, વરુની જેમ આક્રમક બનીને આવ,
બની જા મારું બચબચ ધાવતું સિંહબાળ -
.
.
ફરક અહી, ફરક તહીં, જ્યહીં-ત્યહીં ફર ફર ફરક મારા બાળ,
અટકીશ નહીં, સર સર સર વેગથી તરતો તરતો આવ.
.
.
લીલા નાળિયેર જેવું ગર્ભાશય,
લાપસ-ખસતા સ્નાયુઓ,
પાછા વળતા ઊંડા જળની જેમ,
લીલા નાળીયેરના દૂધથી થાય સરવાણી બંધ,
અને છતાંયે અતિઋજુ તેના સ્પર્શથીય
ગર્ભાશય ભીનું ભીનું
એ બધાની વાતે કરે છે કોણ?
.
.
કોણ સમજે છે તેની આ ઈચ્છા પાછળના તર્કને?
ધીમે ધીમે વધી રહેલા તેના રક્તને
જાગ્રત કરનારાં મોજાંઓની
કોણ વાતેય કરે છે?
.
.
અને ભૂખ
શતાવરીનાં છોડ જેવા આકાર સાથે
શરૂ થતો કાચોકચ ધખારો:
સૂર્યના તેજ-વિહોણી શ્વેત
અને ભૂરી ઝાંય સાથેની રક્તનળીઓ.
આંગળી કરતાંય જળ મોટા તેવા
ખરીદે છે તે ત્રણ કિલો છોડ શતાવરીના.
તેના રેશમિયા ઉપલા ભાગને થાપ્થાપાવે છે
કેટલાક એવા સુંદર ટોપીદાર છે!
તેની ગંધ પણ તેણે અંદર ને અંદર ખેંચે છે.
.
.
- સુજાતા ભટ્ટ
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: મહેશ દવે)
May 20, 2012
.
.
પ્રેમ કરવા માટે પુરુષ મેળવવો સહેલો છે
એક સ્ત્રી તરીકે તારી જરૂરિયાત શું છે
એ વિષે નિખાલસ રહેવાનું. એની સાથે દર્પણ સામે
નગ્ન ઉભી રહે જેથી એને એ પોતે સશક્ત લાગે
અને એવું માનતો પણ રહે અને તારે વધુ ને વધુ
સુંવાળા, જુવાન, નજાકતથી હર્યાભર્યા…કબૂલાત
કર્યે જવાની એના વિશેની. એના અવયવોની પૂર્ણતાની
નોંધ લેવાની, ફુવારા તળે લાલ થઇ જતી એની આંખ,
બાથરૂમની લાદી પરની ભારી શરમાળ ચાલ,
સરી જતો ટુવાલ, એની ખંખેરીને પેશાબ કરવાની રીત
આવી બધી એને ગમતી ઝીણી ઝીણી વિગતો
જે એને પુરુષ બનાવે છે કેવળ તારો પુરુષ.
બધું જ એને આપી દે સોગાતરૂપે, આપી દે તમામ
જેથી તને તું સ્ત્રી છે એવું લાગે. તારા લાંબા કેશની
સુગંધ, તારા સ્તન વચ્ચેના પ્રસ્વેદની કસ્તૂરી,
માસિક સ્ત્રાવના રક્તનો ઉષ્માભર્યો આંચકો અને
તારી તમામ અનંત નારી-ભૂખ. હા, પ્રેમ કરવા માટે
પુરુષ મેળવવો સહેલો છે, પણ પછીથી એના વિના
જીવવાનો કદાચ મુકાબલો કરવો પડશે. જીવન વિના
જીવવાની આ વાત છે. અજાણ્યા વચ્ચે જયારે તું
ફરતી હશે. તારી આંખોએ તલાશ છોડી દીધી હશે.
તારા કાન કેવળ એના સાદમાં
સાંભળતા હશે કેવળ તારું નામ અને તારું શરીર
એક વાર એના સ્પર્શથી ચમકતું હતું પિત્તળની જેમ,
હવે નીરસ, ઘરબાર વિનાનું અને ભૂખ્યુંડાંસ.
.
.
- કમલા દાસ
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

