.

.

એક સ્ત્રી
અગ્નિ પાસે બેઠી છે.
પડછાયાઓ
એની કાચની આંખમાં અટવાય છે.
.
.
એક વૃક્ષ ઢળી પડ્યું છે
અને દરિયા ઉપર
ઊડતાં ઊડતાં એક પંખી ગાય છે…
.
.
…નદીમાં ડૂબી ગયેલી
એક લાશ તરે છે
અને એની બાજુમાંથી
એક હોડી પસાર થઇ જાય છે.
.
.
આમ ને આમ
હું દ્રશ્યને જોતાં જોતાં
અદ્રશ્ય
થતો જાઉં છું.
.
.
- સુરેશ દલાલ

.
.
સિતમ થઇ રહ્યા છે, જુલમ થઇ રહ્યા છે;
હવે પ્રેમમાં પણ નિયમ થઇ રહ્યા છે.
.
.
નવા દુશ્મનોનું નથી ખાસ જોખમ,
હવે દોસ્તો મારા કમ થઇ રહ્યા છે.
.
.
જરા દૂર દ્રષ્ટિથી જોયું તો લાગ્યું,
કે નખશીખ આનંદ, ગમ થઇ રહ્યા છે.
.
.
મોહબ્બતના રસ્તાની શું વાત કરીએ,
ઉતાવળમાં ધીમે કદમ થઇ રહ્યા છે.
.
.
નિરાશાથી બાકી છે આ જિંદગાની,
કે નિશ્વાસ છે એ જ દમ થઇ રહ્યા છે.
.
.
મરણની દશા છે ‘મરીઝ’ આવી રીતે,
જીવનમાં સંબંધો ખતમ થઇ રહ્યા છે.
.
.
- મરીઝ

.

.

શોધું છું, ઝંખું છું તને
ક્યાં છે તું?
તને જોવી છે
સમયરથ પર ફરકતા
વિજયધ્વજરૂપે, ઉન્નત!
મારા પ્રત્યેક
મરણાસન્ન પગલાને
જોઈએ છે તારી દિશા.
ભલે મૃગજળની જેમ
પણ, ક્યારેક તો મળ!
ક્યાં છે તું?
જો ન પહોંચું તારા સુધી
તો…
તું જ આવીશને મારા સુધી?
તું તો જાણે છે…
હું નહિ જઈ શકું
તને મળ્યા વિના
હે જિંદગી.
.
.
- નિર્મિશ ઠાકર

Next Page »